આ યુવતીએ કર્યું ખૂલ્લેઆમ ફાયરિંગ, લખ્યું- લોગ શકલ દેખકે પહેચાન જાતે હૈ…

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી ફોલોઅર્સ વધારવા માટે યુવાનોની સાથે સાથે હવે યુવતીઓ પણ હરીફાઇમાં ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેરમાં વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તૃપ્તિ સાવલિયા નામની મહિલા જાહેર રસ્તા પર રાત્રીના સમયે ફાયરીંગ કરતી હોય તેવો વીડિયો બનાવી તેમાં ‘લોગ પહેચાન જાતે હૈ’ નો ડાયલોગ મૂકી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જે વાઇરલ થતાની સાથે જ પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિના પરવાનાવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યુ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી તૃપ્તિ સાવલિયા અને તેના પતિ દિલીપ સાવલિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી પરવાનાવાળી દોઢ લાખની રિવોલ્વર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મહિલાએ બે અઢી માસ પૂર્વે નવા 150 ફૂટ રિંગ પર વાજડી વેજા ગામ તરફ રસ્તા પર 10.30 વાગ્યા આસપાસ પતિની પરવાનાવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
લોગ શકલ દેખકે પહેચાન જાતે હૈ
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવાનું ઘેલું વધતું જતું જોવા મળી રહ્યું છે તેમાં પણ ફોલોઅર્સ વધારવા માટે અવનવા જોખમી સ્ટંટ કરી તેમજ હથિયાર સાથેના વીડિયો બનાવી ગુનો આચરી દેતા હોય છે.
આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તૃપ્તિ સાવલિયા નામની મહિલા જાહેર રસ્તા પર સફેદ કલરની GJ-03-KC-5526 નંબરની વરના કાર આગળ ઉભી રહી ગનમાંથી ફાયરીંગ કરી રહી છે. તેણે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જેમાં તેણે એક ડાયલોગ મુક્યો છે, તેના શબ્દ પર નજર કરવામાં આવે તો તે આ મુજબ છે કે, “પહેચાન બતાના મેરી આદત નહિ લોગ શકલ દેખકે પહેચાન જાતે હૈ.”
પતિના હથિયારનો ઉપયોગ કર્યો
આ મુદ્દે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ તૃપ્તિ સાવલિયા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફાયરીંગ કરતો એક વીડિયો અપલોડ કર્યો છે, જે એક ગુનો છે. પોલીસ તપાસમાં મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે તેમના પતિની ગનમાંથી ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ હથિયાર તેના પતિના પરવાના વાળું હોય તો તેની સામે પણ કાર્યવાહી થઇ શકે તેમ છે ત્યારે આ હથિયાર અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.