સગા બાપે દીકરાને પતાવી દીધો, બાદમાં હાથ-પગના કટકા કરીને ફેંકી આવ્યા..

અમદાવાદમાંથી કપાયેલા માનવ અંગો મળ્યા હતા જેના રહસ્ય પરથી પરદો ઊંચકાયો છે. પોલીસની ઊંડી તપાસ દરમિયાન આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં દારૂ પીવાની કુટેવ ધરાવતા દીકરાને પોતાના પિતાએ જ મોતને ઘાટ ઉતારી દઈ લાશના છ ટુંકડા કરી નાખ્યા હતા. પુત્રની હત્યાને અંજામ આપી આરોપી પિતા ભગવાની ફીરાકમાં હતો ત્યાં પોલીસે રાજેસ્થાનથી દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં મૃતદેહના અવશેષો મળવા મામલે આરોપી પિતાની ધરપકડ
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ST વિભાગના નિવૃત સરકારી કર્મચારી નિલેશ જોશી અને તેનો પુત્ર સ્વયં અમદાવાદ ખાતે સાથે રહેતા હતા જ્યાંરે તેની પત્ની અને દીકરી જર્મની રહે છે. આરોપી નીલેશનો પુત્ર સ્વયં કામધંધો ન કરતો હોય અને દારૂ સહીતના નશાના રવાડે ચડી ગયો હોવાથી અનેક વખત પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થતી હતી. આ દરમિયાન ગત તા.18 ના રોજ રાત્રે જમવા બાબતે પુત્રએ પિતાને માર મારવાની કોશિશ કરતા નિલેશભાઇએ સ્વ-બચાવમાં પુત્ર પર દસ્તાથી હુમલો કર્યો હતો. જેમાં ઝપાઝપી દરમિયાન આરોપી પિતાએ ઉશ્કેરાઈ જઇ પુત્રને માથાના ભાગે 7-8 દસ્તાના ઝીંકી દેતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આથી 22 જુલાઈએ વાસણા પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસને માનવ અવશેષો મળ્યા હતા.
પુત્રની હત્યા બાદ તેના મૃતદેહના અંગો ઈલેકટ્રીક કટરથી કાપ્યા હતા
આથી પોલીસ પકડથી બચવા હત્યાના બીજા દિવસે સવારે નિલેશએ કાલુપુરથી ઇલેક્ટ્રીક કટર અને પ્લાસ્ટિક ખરીદ્યું હતુ અને ઘરે આવીને પુત્રના મૃતદેહને ત્રણ ભાગમાં ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ કટકા સ્કૂટી દ્વારા અલગ-અલગ સ્થળે ફેંકી દીધા હતા.બાદમાં બધુ સગેવગે કરીને આરોપી નીલેશ અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી તેઓ ગોરખપુર અને બાદમાં નેપાળ જવાનો પ્લાન ઘડી લીધો હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઊંડી તપાસ હાથ ધરી આરોપી પિતા નેપાળ ભાગે તે પહેલા જ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને ઝડપી પાડ્યો હતો.જેને લઈને પોલીસે આરોપી પિતા પર માનવ વધ અને પુરાવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.