હજી પણ અંધશ્રદ્ધા… કમળો ઉતારવા પરિવાર પુત્રીને ભચાઉ લઇ ગયા, પાડોશીએ શરીરે…

અત્યારે આધુનિક યુગ છે એવું કહેવાય છે અત્યારે મેડિકલ વિભાગ ઊંચાઈ આંબી રહ્યો છે આધુનિક મશીન થી સારવાર મળી રહે છે તેમજ સચોટ સારવાર સરકારી દવાખાના માં મળી રહે છે ત્યારે આજે પણ હજી અંધશ્રદ્રા માં વિશ્વાસ કરવા વાળા લોકો મળી રહે છે અને આ અંધશ્રદ્રા ના લીધે લોકો જીવ પણ ગુમાવે છે
ગાંધીધામમાં અંબાજી ચાર રસ્તા એરપોર્ટ ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જિજ્ઞા નામની બાળકી 10 દિવસ પહેલા બીમાર પડતા તેમને તાવ આવતો હોય અને કમળાની અસર હોવાનું જાણવા મળ્યું હતું. આથી પરિવાર બાળકીને દવા લેવા હોસ્પિટલમાં લઈ જવાને બદલે બાળકીના દાદી અને પરિવારજનો તેણીને સારવાર માટે ભચાઉ કમળો ઉતરાવવા લઈ ગયા હતા અને ત્યાં તેમને સારું થઈ જવાના બહાના હેઠળ એક શખસે શરીરે ડામ આપ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ ગયા હતા.
થોડા દિવસ બાદ બાળકીને શરીરે દુખાવો ઉપાડતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં મોડી રાત્રે બે દિવસની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તેમનું મૃત્યુ ડામ દેવાથી થયું છે કે બીમારીથી થયું તેનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક વર્ષ પહેલા રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાએ 10 વર્ષની બાળકીનો ભોગ લીધો હતો. માર્કેટિંગ યાર્ડ પાસેના મંછાનગરમાં રહેતી 10 વર્ષની બાળકીને ઝેરી જનાવર કરડ્યા બાદ પરિવારજનો બાળકીને હોસ્પિટલે લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ ગયા હતા અને કલાકો વીતી જતાં બાળકીનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું
બાળકીને ઝેરી અસર થતાં પરિવારજનોએ તેને હોસ્પિટલે લઇ જવાને બદલે અંધશ્રદ્ધાથી પ્રેરાઇને ચોટીલા પાસે આવેલા એક ધાર્મિક સ્થળે લઇ ગયા હતા અને ત્યાં ભૂવાએ દોરા-ધાગા કર્યા હતા અને દાણા નાખ્યા હતા.