મોટામાં મોટી એકાદશી દેવપોઢી એકાદશી ક્યારે છે? આ દિવસથી 4 મહિના સુધી કોઈપણ માંગલિક કામ કરવા માટે શુભ મુહૂર્ત રહેશે નહીં..

રવિવાર, 10 જુલાઈના રોજ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. તે પછી કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવઊઠી એકાદશીએ વિષ્ણુજી જાગે છે. 10 જુલાઈથી 5 નવેમ્બર સુધી લગ્ન, મુંડન જેવા માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત રહેશે નહીં. જો તમે કોઈ શુભ કામ કરવા ઇચ્છો છો તો 10 જુલાઈ પહેલાં કરી શકો છો, તે પછી લગભગ ચાર મહિના સુધી રાહ જોવી પડી શકે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચાર મહિનામાં બધા પ્રકારના શુભ કાર્યો વર્જિત હોય છે. આ વર્ષા ઋતુનો સમય રહે છે. જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. ચાતુર્માસમાં સાધુ-સંતો યાત્રા કરતા નથી. એક જ જગ્યાએ રહીને જાપ-તપ, ધ્યાન, પૂજા-પાઠ કરે છે.
ચાતુર્માસ સાથે જોડાયેલી પરંપરા
પ્રાચીન સમયમાં આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારના નાના-નાના જીવજંતુઓનો જન્મ થતો હતો. આ બધાની સુરક્ષાની દૃષ્ટિએ સાધુ-સંત યાત્રાઓ કરતા નથી અને કોઈ એક સ્થાને રોકાઇને પૂજાપાઠ કરવા લાગતાં હતાં. જેથી તેમની યાત્રાથી નાના જીવોની હિંસા ન થાય.
ચાતુર્માસમાં ખાનપાનમાં સાવધાની રાખો
ચાતુર્માસમાં વરસાદ થતો રહે છે. આવી સ્થિતિમાં અનેક નવી વનસ્પતિઓ ઉગી આવે છે, થોડી વનસ્પતિઓ નુકસાનદાયી પણ હોય છે. આ સમયે ખાનપાનમાં, શાક-ભાજીઓના સેવનમાં ખાસ સાવધાની રાખવી જોઈએ. આવી વસ્તુઓ ખાવાથી બચવું જે આપણાં પાચન માટે યોગ્ય હોતી નથી. આ દિવસોમાં તડકો પણ ઓછો રહે છે. પાંચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. એટલે ભોજનમાં એવી વસ્તુ સામેલ કરો, જેને પચાવવી સરળ હોય છે.
દેવપોઢી એકાદશીએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા
આ એકાદશીએ ભગવાન વિષ્ણુની મહાલક્ષ્મી સાથે ખાસ પૂજા કરો. ભગવાન માટે વ્રત રાખો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. જરૂરિયાતમંદ લોકોને છત્રી, બૂટ-ચપ્પલ, વસ્ત્રોનું દાન કરો.