દુ:ખિયાના બેલી એવા બજરંગદાસ બાપાની જીવન કહાની અને ચમત્કારની રસપ્રદ ગાથા વાંચો…

દુ:ખિયાના બેલી એવા બજરંગદાસ બાપાની જીવન કહાની અને ચમત્કારની રસપ્રદ ગાથા વાંચો…

અનેક સંતોની પવિત્ર ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપા નું પ્રાગટ્ય ભાવનગરથી 6 કિ.મી. અધેવાડા ગામ થી એક કી.મી. અંદર ઝાંઝરિયાં હનુમાનજીના ચરણોમાં થયેલું. તેમના માતાનું નામ શિવકુંવારબા અને પિતાનું નામ હરીદાસજી હતું.

તેમના માતા તેના પિયર માલપર જઈ રહ્યા હતા. એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ માતાની પાસે આવ્યાં. જે એક બહેનને (દૂધીબહેન) બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી.

માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું.બહેનોએ માતાજીની સેવા કરી.

થોડા જ દિવસોમાં માતાજી માલપર પિયર જવા રવાના થઇ ગયાં. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામલોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનાર આ બાળ કોણ હશે ?

હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે !બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું. તેમનું કુળ રામાનંદ હતું.આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી.

આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા-વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામદાસ બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઇ ગયા.

આ જમાત નાસિકના કુંભમેળામાં જઇ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ-સીતારામનો જપ કરવા લાગ્યા.આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી.

તે જમાતની સામે આઠ-દસ વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઇ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું

આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. બાપાશ્રી રેલ્વે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતાં.

બાપાશ્રી આ ફૂલ લઇ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઇ લગભગ કલાક-દોઢ કલાક તાપી નદીમાં નૌકાવિહાર કરતા. નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા.

આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે.સુરતથી બાપા ફરતાં-ફરતાં વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ઢસા આવ્યા.ત્યાંથી બાપા પાલિતાણા પધાર્યા અને પાલિતાણાથી બગદાણા પધાર્યા.

બગદાણામાં જૂની પોલીસ લાઇન સામે ચોરામાં પોતાનું આસન જમાવ્યું. આ વખતે બાપાશ્રી ધોયા વિનાની માદરપાટની બંડી પહેરતા. બાપાશ્રીને નાહવા-ધોવા કે દાતણ-પાણી માટે, પૂજા-પાઠ માટેના કોઇ નિયમ કે વ્રત ન હતા.

બાપાશ્રી બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા.બાજુમાં ધૂણી ધખાવતા. આ રીતે બાપા લહેર કરતા. બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા.

પૂ.બજરંગદાસબાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરાવી.આ આશ્રમે દર વરસે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે.

દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે. બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ-સીતારામનો જાપ જપ્યા કરતા હતા.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *