ભાગવત રહસ્ય : નારદજીએ શિવજી આગળ રામકથાની જગ્યાએ પોતાની કથા કહી તો શિવજીએ શું કર્યું…

ભાગવત રહસ્ય : નારદજીએ શિવજી આગળ રામકથાની જગ્યાએ પોતાની કથા કહી તો શિવજીએ શું કર્યું…

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પની કથામાં થોડો ફેર આવે છે. પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે. નારદજી હિમાલયમાં તપ કરતા હતા. ઇન્દ્રને શંકા ગઈ કે નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું? ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છે તેનું મન શંકાશીલ હોય છે. ઇન્દ્રે કામ ને બોલાવ્યો, અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.

કામ આવ્યો વિઘ્ન કરવા, તેણે અનેક ઉપાયો અજમાવ્યા પણ સફળતા ના મળી. નારદજી ઈશ્વરના ધ્યાનમાં લીન હતા, તેને કામ શું કરી શકે? કામદેવ હાર માની નાસી ગયો. આવા પ્રસંગે ભગવાન ભક્તનું રક્ષણ કરે છે, પણ નારદજીને અભિમાન થયું કે, “શિવજીએ ક્રોધથી કામ ને બાળ્યો, તેમાં શું આશ્ચર્ય? મેં તો કામ ને વિના પ્રયાસે જીતી લીધો.”

નારદજીને થયું કે, ચાલ શિવજી પાસે જાઉં, અને મારી કામ વિજયની કથા કહી સંભળાવું. નારદજી કૈલાસમાં આવ્યા. શિવજીએ સ્વાગત કર્યું – પધારો, પધારો. નારદજી ભક્ત છે, તેમના પર શિવજીને પ્રેમ છે. શિવજી નારદજીને ખુબ માન આપે છે. શિવજીને થયું કે, નારદજી પાસેથી રામકથા સાંભળવા મળશે પણ નારદજીએ તો પોતાની કથા ચાલુ કરી. અને પોતાના કામ વિજયની કથા કહેવા લાગ્યા. શિવજીને ખબર પડી ગઈ કે નારદજીને અભિમાન થયું છે. તેમણે નારદજીને કહ્યું કે, આ વાત તમે ભલે મને કહી પણ ભગવાન નારાયણને કહેશો નહિ. નારદજી પછી ત્યાંથી રવાના થયા.

નારદજીને થયું કે, શિવજીને મારી અદેખાઈ થઇ છે. પોતાનો મહિમા ઓછો થાય એટલે આ વાત બીજાને કરવાની ના પાડી છે. નારદજી વૈકુંઠમાં પધાર્યા. આમ તો જયારે જયારે વૈકુંઠમાં આવે ત્યારે નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરતા, પણ આજે જરા અભિમાનમાં છે, કામને જીત્યો છે, આજે પ્રણામ પણ કરતા નથી.

નારાયણે પૂછ્યું, બોલો નારદજી શું સમાચાર છે? નારદજી કહેવા લાગ્યા, હું હિમાલયમાં ધ્યાનમાં બેઠો હતો, કામદેવે અનેક લીલાઓ કરી. ભગવાને પૂછ્યું, પછી શું થયું? નારદજી કહે, તે મને શું કરી શકવાનો હતો? મારું મન ધ્યાનમાં સ્થિર હતું, કામદેવ નાસી ગયો. ભગવાન સમજી ગયા કે, આને અભિમાન થયું છે, આ અભિમાન તેનું પતન કરશે. ભગવાન ભક્તોનું બહુ ધ્યાન રાખે છે. નારદજી ત્યાંથી પાછા ફર્યા, પ્રભુએ માયા રચી.

રસ્તામાં નારદજીએ એક સુંદર નગરી જોઈ. નગરના રાજાનું નામ શિલનિધિ છે. તેને એક કન્યા છે જેનું નામ વિશ્વમોહિની છે. કું વરીમાં નામ પ્રમાણે ગુણ છે, આ વિશ્વમોહિની માટે રાજાએ સ્વયંવર રચ્યો છે. નારદજી રાજાના દરબારમાં આવ્યા. રાજાએ સ્વાગત કર્યું અને પૂછ્યું કે, મારી પુત્રીને કેવો વર મળશે? નારદજીએ હાથની રેખાઓ જોઈ કહ્યું કે જેને આ વિશ્વમોહિની મળશે તે અમર થઇ જશે. યુદ્ધમાં તેની કદાપિ હાર નહિ થાય. નારદજી ત્યાંથી નીકળ્યા છે, પણ મન છે વિશ્વમોહિનીમાં. આ મને મળે તો બે લાભ છે, અતિ સુંદર કન્યા મળશે અને વળી હું અમર થઇ જઈશ.

નારદજીએ વિષ્ણુ ભગવાનને પોતાની કામ પર વિજય મેળવવાની વાત કહી ત્યારે વિષ્ણુ ભગવાન સમજી ગયા કે આમને અભિમાન થયું છે. તે અભિમાન દૂર કરવા તેમણે માયા રચી.

કામ જયારે મનમાં પ્રવેશ કરે છે, ત્યારે વિવેકને તે ધક્કો મારે છે. નારદજી મનમાં વિચારે છે કે, આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વમોહિની મળે. ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું. નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું, કેમ નારદજી જલ્દી પાછા આવ્યા? નારદજી એ વાત કહેવા માંડી, કહે કે, મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે.

પ્રભુ કહે છે કે, એ વાત રહેવા દે નારદ, તું બહુ દુઃખી થઈશ. પણ નારદજી માને શાના? તેમનું મન હતું વિશ્વમોહિનીમાં. એટલે પ્રભુએ કહ્યું કે, તારું હિત થાય એવું હું કરીશ. ભગવાનની મર્મવાણી નારદ સમજી શક્યા નહિ. અને હરખાતા હરખાતા આવ્યા સ્વયંવરમાં.

વિશ્વમોહિની વરમાળા લઈને નીકળી, નારદજીને જોઈ હસવા લાગી, આ બંદર ક્યાંથી આવ્યો? તે આગળ ચાલી, મંડપમાં નારાયણ પણ પધારેલા. વિશ્વમોહિનીએ તેમના ગળામાં વરમાળા પહેરાવી. વિશ્વમોહિની સાથે નારાયણ ત્યાંથી નીકળ્યા. નારદજી પણ ત્યાંથી ચાલ્યા. રસ્તામાં રુદ્રગણોએ નારદજીની મશ્કરી કરી.

નારદજી પૂછે છે, તમે કેમ હસો છો? રુદ્રગણો કહે કે, તળાવમાં જઈ તમારું મોઢું જુઓ. નારદજીએ તળાવમાં જઈ મોઢું જોયું, અને ઉશ્કેરાઈ ગયા. “મારી આવી મશ્કરી? એક તો મને જે મળવાની હતી તેને ઉઠાવી ગયા, અને મારી આ દશા કરી. હું આજે ભગવાનની ખબર લઈશ! તેઓ તેમના મનમાં શું સમજે છે?”

રસ્તામાં જ નારાયણ મળી ગયા. નારદજીએ પ્રભુને કહ્યું કે, તમારાં ધંધા જ આવા છે, તમે કપટ કરો છો. સમુદ્રમંથન કરતી વખતે દૈત્યોએ મહેનત કરવામાં શું બાકી રાખેલું? તેમને અમૃતને બદલે મ-દિ-રા પીવડાવી. શંકરને વિના વાંકે ઝે-ર પીવડાવ્યું, અને લક્ષ્મીજીને તમે લઇ ગયા. આજે પણ તમે મને પરણવા ન દીધો, અને વિશ્વમોહિનીને લઇ ગયા. હું તમને શાપ આપું છું કે તમે પણ નારી વિરહમાં દુઃખી થશો.”

નારદજીએ ત્રણ શાપ આપ્યા છે, તમારે મનુષ્ય થવું પડશે, પત્ની વિયોગમાં તમે દુઃખી થશો, અને મને વાનર બનાવ્યો તો તેવા જ વાનરોની તમારે મદદ લેવી પડશે. પ્રભુએ હસતાં હસતાં શાપનો સ્વીકાર કર્યો છે. પછી નારદજીનો મોહ ઉતર્યો, ત્યારે ખુબ પસ્તાયા. કહે છે કે, પ્રભુ મારો શાપ સત્ય ન થાય તેવું કરો. પ્રભુએ કહ્યું કે, નારદ, તમે ચિંતા ના કરો. આદર્શ મનુષ્ય ધર્મ બતાવવા મારે મનુષ્ય અવતાર લેવો જ હતો, અને આમ નારાયણ જ રામજી તરીકે પ્રગટ થયા. દેવ મનુષ્ય બને છે, કારણ કે મનુષ્ય દેવ બની શકે.

આ કથામાં બીજું પણ રહસ્ય છે, કામી મનુષ્ય વાનર જેવો પશુ જેવો બને છે. કામ ભાન ભુલાવે છે એટલેજ નારદજીનું મોઢું પ્રભુએ વાનર જેવું બનાવ્યું હતું.

દશરથરાજાને ત્રણ રાણીઓ હતી – કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. છતાં કોઈ સંતતિ નહોતી. દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું, તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો. તમારે ત્યાં ચાર પુત્રો થશે. રાજાએ યજ્ઞ કર્યો, અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા છે, અને કહ્યું, આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, આપને ત્યાં દિવ્ય બાળકો થશે.

વસિષ્ઠે આજ્ઞા કરી કે, કૌશલ્યાને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી સુમિત્રાનેઆપજો. મહારાજ કૈકેયીને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા એટલે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું અને કહે છે કે, મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા? ત્યાં આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવીને આપ્યો જે તે આરોગી ગયા. આથી તેમને ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. હનુમાનજી પહેલાં આવે છે.

આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગઈ એટલે કૌશલ્યા અને સુમિત્રાએ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો. ત્રણે રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *