ગુજરાતના આ સ્ટેટના યુવરાજે ગે લગ્ન કર્યા, વર્ષો જૂના પાર્ટનર સાથે માનવેન્દ્ર સિંહ ગોહિલે અમેરિકામાં કર્યા લગ્ન, ફેસબુક પર શેર કરી તસવીરો..

દેશના પ્રથમ ગે પ્રિન્સ કહેવાતા રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે પોતાના લાંબા સમયના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે લગ્ન કરી લીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા છે.
માનવેન્દ્રસિંહ ગોહિલના પાર્ટનર રિચર્ડર્સે ફેસબુક પર તેમના લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મેરેજ સર્ટિફિકેટની પણ તસવીર છે. જેમાં 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.
જણાવી દઇએ કે માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે છે અને ઘણીવાર તેઓ એક સાથે જોવા મળ્યા છે. અગાઉ ઘણીવાર તેઓ લગ્ન વિશે વાત કરી ચુક્યા છે. પરંતુ તેમણે લગ્ન કરી લીધા હોવાની વાતને ક્યારેય જાહેરમાં કબૂલી નથી.
જણાવી દઇએ કે માનવેન્દ્રસિંહ ગોહિલ ગુજરાતના રાજપીપળાના રાજકુમાર છે અને ‘ગે’ પણ છે. માનવેન્દ્ર મહારાણા શ્રી રઘુબીરસિંહજી રાજેન્દ્રસિંહજી સાહેબના એકમાત્ર પુત્ર છે. તેમનું બાળપણ રાજકુમારો જેવું જ હતું અને શાહી ભવ્યતા અને સુવિધાઓથી સજ્જ હતું. પરંતુ જ્યારે તેણે 1991માં ઝાબુઆની રાજકુમારી ચંદ્રિકા સાથે લગ્ન કર્યા ત્યારે તે ખુશ ન હતા. લગ્ન પછી પણ તેની પત્ની સમજી ગઈ કે તે ગે છે. આ કારણે, તેણે લગ્નના એક વર્ષ પછી રાજા માનવેન્દ્રથી છૂટાછેડા લીધા અને અન્ય કોઈ છોકરી સાથે લગ્ન ન કરવાની સલાહ આપી.