સુરત ગ્રીષ્મા હ’ત્યા કેસ : હ’ત્યારા ફેનિલની ફાંસીની સજાને પડકારતી અરજી કરવામાં આવી, રાજ્ય સરકારે શું નિર્ણય લીધો??

સુરતના ચર્ચાસ્પદ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીએ સુરત સેશન્સ કોર્ટના ફાંસીના હુકમની સામે કરેલી અરજીને હાઇકોર્ટે એડમિટ કરી છે. આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજી પર ઝડપી સુનાવણી કરવા દાદ માગતા હાઈકોર્ટે આકરી ટકોર કરી હતી.
અરજદારના વકીલની રજૂઆત
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે, સુરત સેશન્સ કોર્ટના હુકમને રદ કરો, સેશન્સ કોર્ટે આપેલો હુકમ ભૂલ ભરેલો છે. તેને આ કેસમાં નિર્દોષ છોડો. આ જ કેસમાં રાજ્ય સરકારે ફેનિલની ફાંસીની સજાને કન્ફર્મ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જે અરજીની સાથે ફાંસીની સજાને પડકારતી તેમની આ અરજીને પણ જલદીથી સાંભળવામાં આવે રજૂઆત કરવામાં આવી છે.
હાઇકોર્ટની આકરી ટકોર
અરજદારના વકીલને હાઇકોર્ટે ટકોર કરેલી કે અન્ય કેસમાં સજા પામેલા અનેક દોષિત છેલ્લા 10થી 12 વર્ષથી જેલમાં છે અને તેમની અરજી પેન્ડિંગ છે. આ સ્થિતિમાં તમારી અરજીને વહેલા સાંભળવાની પ્રાથમિકતા આપી શકાય નહીં.
શું હતો સેશન્સ કોર્ટનો હુકમ?
આ કેસમાં મે માસમાં સુરત સેશન્સ કોર્ટે દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારેલી છે. સેશન્સ કોર્ટનું અવલોકન હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો કેસ છે. આવા ગુનો આચરનારા દોષિતને કડકમાં કડક સજા થવી જરૂરી છે. એક કસાઇ જેમ પ્રાણીની કતલ કરે છે, તે રીતે દોષિતે મૃતક ગ્રીષ્માનું ગળું કાપી ઘાતકી હત્યા કરે છે. જજે એ પણ નોંધ લીધી હતી કે, તેમણે તેની 28 વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનો કેસ જોયો નથી.
ઘટના શું હતી?
સુરત જિલ્લાના કામરેજમાં એક તરફી પ્રેમમાં પાગલ 21 વર્ષના દોષિત ફેનિલે 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માના પરિવારજનો અને પાડોશીની સામે ઘાતક હથિયારથી ગળું કાપીને ગ્રીષ્માની હત્યા કરી હતી. આ હત્યા બાદ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પોલીસે પણ તાબડતોબ તપાસ કરીને સંબંધિત કોર્ટમાં 2,500 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતા. આ સમગ્ર ટ્રાયલ બે માસમાં પૂર્ણ કરાયેલી અને કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારેલી જે ફાંસીની સજાને કન્ફર્મ કરવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જેમાં હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરેલી છે.