અમદાવાદીઓને વધુ એક ભેટ : થલતેજ સુધીનો મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ થઈ શકે છે, ક્યારે…

અમદાવાદ મેટ્રો ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. થલતેજ રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું. 40 કિમીના કોરિડોરનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. આથી, થલતેજ સુધીનો મેટ્રો ટ્રેનનો રૂટ જલ્દી શરૂ થઈ શકે છે. ઓગસ્ટ માસ સુધીમાં વધુ એક રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થઈ શકે છે. આથી કહી શકાય કે વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદવાસીઓને મોટી ભેટ મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરમતી નદી પરના ગાંધી બ્રિજ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું.
આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.