બોટાદ : લઠ્ઠાકાંડ મામલે મહિલાનું મહત્વનું નિવેદન, પતિએ ગઈકાલે પીધો હતો ખુબ દારૂ…

બોટાદ : લઠ્ઠાકાંડ મામલે મહિલાનું મહત્વનું નિવેદન, પતિએ ગઈકાલે પીધો હતો ખુબ દારૂ…

આજરોજ બોટાદના રોજીદ ગામમાં સંભવિત લઠ્ઠાકાંડના કારણે મોટી સંખ્યામાં પીયાસીઓની તબિયત લથડી હોવાના અહેવાલ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બોટાદ જિલ્લાના રોજીદ ગામની ઘટનાને પગલે પોલીસે હાલ પુરતુ તો મૌન સેવ્યું હોય તેમ જણાય છે. પોલીસે મીડિયા સમક્ષ હજૂ સુધી મામલાની સ્પષ્ટતા કરી નથી. પરંતુ પીડિત પરિવારના સભ્યો પાસેથી માહિતી મળે છે કે દવાખાનામાં દાખલ કરવા પડેલા તેમના ઘરના સભ્ય ગઈકાલે સાંજે દારૂ પીવા ગયા હતા તેમજ પોલીસ પર પણ તેઓ આક્ષેપ કરી રહ્યાં છે. ઉપરાંત રોજીદ ગામના સરપંચે પણ અગાઉ પોલીસને દારૂ બંધ કરાવવા કરેલી રજૂઆતોનો મામલો સામે આવતા પોલીસ તરફ આક્ષેપની આંગળી ચિંધાતી હોય તેવો ઘાટ રચાયો છે.

બોટાદના રોજીદ ગામની સંભવિત લઠ્ઠાકાંડની આ ઘટનામાં 8 લોકોના મૃત્યુના અહેવાલ સુત્રો પાસેથી સાંપડી રહ્યાં છે. ઉપરાંત 10-15 લોકો હજૂ પણ સારવાર હેઠળ હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસ દ્વાર સત્તાવાર રીતે સ્પષ્ટતા પૂર્વક માહિતીની મીડિયા રાહ જોઈ રહ્યું છે ત્યારે પિડીત પરિવારના સભ્યો પાસેથી જે માહિતી મળે છે તે ચોંકાવનારી છે. જેમાં મનીષાબેન નામના એક મહિલા જણાવે છે કે, તેમના પતિએ ગઈકાલે સાંજે 6 વાગ્યા આસપાસ… જઈ દારૂ પીધો હતો, દારૂ પી પરત આવ્યા બાદ રાત્રે તેમની તબિયત ખરાબ થઈ હતી અને સવારે તેઓ મજૂરી કામે ગયા હતા ત્યાં વધારે તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનીષાબેન જણાવે છે કે, તેમના ગામના અંદાજે 12 જેટલા લોકો બોટાદની હોસ્પિટલમાં દાખલ છે. સાથે જ મહિલા જણાવે છે કે, તેમણે જણાવેલા સ્થળ પર 24 કલાક દારૂ વેચાતો હોય છે અને પોલીસ પણ પૈસા ખાય છે અને તે દારૂવાળાને 5 દિવસ પકડી છોડી મુકે છે. મહિલાએ ગંભીર આક્ષેપ કરતા પોલીસ બેડામાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ મામલે બોટાદ એસ.પી. સહિતના સ્થાનિક પોલીસના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળાઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *